ખેતી - અર્થતંત્રનું મૂળ

ખેતી  - કેવી રીતે સમૃદ્ધ બનાવવી?

          આજકાલ બધે સાંભળવા મળે છે તે ઓર્ગેનિક ખેતી કઈ નવી પદ્ધતિ નથી, આપણા વડવાઓ વર્ષોથી કરતા આવ્યા છે. ઓર્ગેનિક ખેતી એટલે ખાતર અને જંતુનાશકો વગરની ખેતી નહિ  - ઓર્ગેનિક ખેતી નો મતલબ છે રસાયણો વગરની ખેતી!  ઓર્ગેનિક ખેતી માં પણ ખાતર અને જંતુનાશકો વાપરે છે - ફક્ત કુદરતી ખાતરો અને જંતુનાશકો, રાસાયણિક નહિ. ખેતીમાં સારી ઉપજ લેવા માટે ખાતર અને જંતુનાશક - આ બે ક્ષેત્રમાં રસાયણો નો ઉપયોગ ટાળવો મુશ્કેલ છે, અશક્ય નથી. 

         ગુજરાતમાં આવેલા મારા એક નાનકડા ગામમાં ૧૯૮૦  પહેલા, બહુ ઓછા લોકો રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ વાપરતા હતા - કા તો તેની પાસે જાણકારી નહતી કે પછી ખરીદવા ની સગવડ ના હતી. રસાયણો ના વાપરવા પાછળ જે કઈ કારણ હતું, તે આજુબાજુ માં રહેતા લોકો માટે વરદાન રૂપ હતું, જાણે-અજાણે તેમને ઓર્ગનિક ઉપજ  ખાવા મળતી. 
          જયારે ૧૯૮૭-૮૮ માં અકાળ પડ્યો, ખેડૂતો માટે બહુજ કઠિન સમય હતો - સળંગ બે વર્ષ ખેતીની આવક વગર કાઢવા પડ્યા. જેમતેમ કરીને, સરકારની સહાય અને સેવાભાવી સંસ્થાઓની જહેમતથી કેટલકેમ્પતો ચાલુ કર્યા પણ બધાજ પશુને મદદ કરવી અશક્ય હતી.  તેમને કિંમતી દર-દાગીના વેચવા પડ્યા, પાલતુ પશુઓને વેચવા પડ્યા - કે પાંજરાપોળમાં મુકવા પડ્યા. એ પણ કોઈ સ્વજન ગુમાવ્યાથી ઓછું નહતું. પછીના વરસથી જ ખેડૂતો આ બધા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો  ઉપયોગ શીખવા મંડ્યા. ખેડૂતો બધા અખતરા કરવા તૈયાર હતા જેનાથી વધારે ઉપજ મળે અને દેવું પૂરું કરી શકે  અથવાતો ઓછું કરી શકે. લાંબાગાળાની આડઅસરો કે રસાયણોના ફાયદા-નુકશાન વિચાર્યા  વગર, અપૂરતી  જાણકારી અને માથે લટકતું કર્જ તેમને રસાયણોની દિશામાં વધારે ને વધારે ધકેલતું રહ્યું. બે પાંચ વરસમાં જ ખેતી રસાયણો ઉપર નિર્ભર થઇ ગઈ.

Peanut plants in Junagadh district of Gujarat


          ૧૯૨૦ માં જન્મેલા મારા દાદા કે જેને પહેલું ધોરણ પણ પાસ નહોતું કર્યું - તે જીવ્યા ત્યાં સીધું (૨૦૦૨) અમારા ખેતરોમાં ક્યારેય પણ રસાયણોનો ઉપયોગ કરવા ના દીધો. એ પણ જાણતા હતા કે રસાયણો અત્યારે ઉત્પાદન વધારી આપે પણ મારા ખેતરોને ટાળી દેશે! તેમને ફક્ત છાણીયું ખાતર જ વાપર્યું. દાદાની સૂઝને લીધે અમને અમારા બચપણમાં ઓર્ગેનિક ખેત પેદાશ ખાવા મળી.

          હવે જયારે વૈજ્ઞાનિકોએ સાબિત કરી આપ્યું છે કે વધારે પડતા રસાયણો ઉપયોગ સીધો કેન્સર સાથે સંકળાયેલો છે, આપણે વધારે સાવધાની વર્તવાની જરૂર છે. પંજાબમાં એક વિસ્તાર એવો છે જ્યાં રાસાયણિક જંતુનાશકોના વપરાશથી થયેલા કૅન્સર દર્દીઓ એટલા બધા છે  કે તે "કૅન્સર બેલ્ટ" તરીકે ઓળખાય છે. આવા વિનાશક રોગથી બચવું હોઈ તો એ આપણી ફરજ છે કે આપણે ખેતીમાં કુદરતી ખાતરો અને જંતુનાશકોનું મહત્વ સમજીએ અને બીજાને સમજાવીએ.
          એક વખત રસાયણોનો ઉપયોગ ચાલુ કરો પછી ખેતરો ને તેની આદત પડી જાય  - માટી રસાયણો ઉપર આધારીત  થઇ જાય. દરેક પાક વખતે રસાયણો વાપરવા જ પડે. તમે જાણો અને સમજો તે પહેલા તો તમારી ખેતી એ રાસાયણિક ચક્રવ્યૂહમાં ફસાઈ જાય - જે એક વ્યસન જેવું  છે, ચાલુ કરવું સહેલું પણ છોડવું મુશ્કેલ. થોડાક વર્ષોમાં તો તે રસાયણો તમારા ખેતરોની કુદરતી ફળદ્રુપતા નાશ કરી દે છે.

          શા માટે આપણે બે-પાંચ વરસોનાં ફાયદા માટે જિંદગીભરનું નુકસાન વેઠવું? મોટા ભાગના ખેડુતો માટે ખેતી એ બાપદાદાનો વારસો જ નહિ પણ આજીવિકાનું એકમાત્ર સાધન હોઈ છે, જેને ગુમાવવું કે બગાડવું પોસાય જ નહિ.

રસાયણો નહિ તો પછી ક્યાં કુદરતી ખાતરો અને જંતુનાશકો વાપરી શકાય?   

          કુદરતી ખાતરો: આપણે જે વર્ષોથી વપરાતા આવ્યા છીએ તે છાણીયું ખાતર અતિ ઉત્તમ અને સહેલાઈથી પ્રાપ્ત થઇ શકે તેવો વિકલ્પ છે. તમારા પશુધનના મળ-મૂત્રના ચારા સાથેના કોહવાટ થી બનેલું ખાતર ખેતી માટે કાચા સોના જેવું છે. અત્યારની યાંત્રિક ખેતીના જમાનામાં કોઈ બળદો તો રાખતા નથી પણ બની શકે તો ગાય અવશ્ય રાખો કે જેથી થોડું ઘણું પણ કુદરતી ખાતર મળી શકે. અત્યારના કુટુંબોમાં મેં જોયું કે નવી પેઢીને કોઈને છાણ વાળા હાથ કરવા જ નથી, ગાય હોઈ તો પણ માં-બાપ જ સંભાળતા હોઈ. ગાયના છાણમાં કુદરતી એન્ટિસેપ્ટિક, જીવજંતુને દૂર રાખે (એટલે તો લીપેલાં ઘરોમાં મચ્છરો દૂર રહેતા) છે જ સાથે સાથે એ કુદરતી સ્ક્રબ પણ છે જે ત્વચાને સુંદર રાખે છે. 
          બીજા કુદરતી ખતરો તરીકે માછલીનું પ્રવાહી અને હાડકાનો ભૂકો પણ સરસ નાઇટ્રોજન-ફોસ્ફરસ -પોટેશિયમ નું પ્રમાણ ધરાવે છે. માણસોના જીવનને માટે થોડી દુર્ગંધ  ચલાવી પડે તો પણ શું? શાકાહારી ખેડૂતો માટે આ વિકલ્પો કદાચ સહેલા ના લાગે. અમે અહીં અમેરિકામાં પણ શાકભાજીના વેલામાં  માછલીનું પ્રવાહી ખાતર કે છાણીયું જ વાપરીએ.

 
          કુદરતી જંતુનાશકો: આમ જોઈએ તો આ પાક બદલી અને વિવિધ પાકની રીતોનો પણ કુદરતી જંતુનાશકો માં સમાવેશ થાય. શ્રેષ્ઠ કુદરતી જંતુનાશક એ ગૌમૂત્ર  - સહેલાઈથી પ્રાપ્ત થઇ શકે છે અને સંપૂર્ણ હાનિરહિત છે. લીમડાના પાનનો રસ, તૈમુર અને લસણનું પ્રવાહી  પણ  જંતુનાશક નું કામ આપે છે. દરેક સીઝનમાં પાક બદલાતા રહેવીથી જીવાતને રહેવા માટે સ્થાન નથી મળતું  - એટલે કે માંડવીની જીવાત એરંડાના પાકમાં ના જીવી શકે અને એરંડાની જીવાત માંડવીમાં ના જીવી શકે. પાક બદલીથી જમીનની ફળદ્રુપતા પણ સુધારે છે
          એકાંતરા પાક એ બીજી રીત છે જીવાતને દૂર રાખવાની. એક લાઈન  એક પાક ની અને વચ્ચે વચ્ચે બીજા પાકની લાઈન વાવવાથી, એકજ જાતના પાકની લાઈનો એકબીજાથી દૂર રહેશે અને જીવાતને રહેવા માટે  એકસરખો પાક નહિ મળે. "ઝેરનું મારણ ઝેર" કહેવત અનુસાર, જીવાતભક્ષી જીવાત પણ જંતુનાશકનું કામ કરે છે.     
          આટલું જાણ્યા પછી પણ હજુ ઘણા પ્રશ્નો બાકી રહે - જેવાકે ચાલુ વર્ષના વરસાદ -પાણી અને હવામાન પ્રમાણે કયો પાક ફાયદાકારક રહેશે? કે પછી મારી જમીનમાં કયો નવો પાક અજમાવી શકાય?  આ બધા પ્રશ્નોના જવાબ માટે, ભારત સરકારે ખેતી અને ખેતપેદાશોની માહિતી માટે એક સરસ વેબસાઈટ બનાવી છે. http://farmer.gov.in  

          તે સાઈટ પરથી ક્યાં પાક માટે કેવી જમીન-પાણી જોઈએથી માંડીને સ્થાનિક બજારોમાં ખેતપેદાશોના આજના ભાવ પણ જાણી શકાય છે. ક્યાં જિલ્લામાં કોઈ પાકનું કેટલું વાવેતર થયું છે તે પણ બતાવે છે. મજાની વાત તો એ છે કે આ માહિતી ગુજરાતીમાં પણ વાંચી શકાય છે - જેથી વડીલોને પણ આ વેબસાઈટ વાપરવી સહેલી છે. આખો દિવસ નેટ ઉપર કાઢતા યુવામિત્રો મહેરબાની કરીને તમારા ખેતી કરતા વડીલોને આ એક વેબસાઈટ વપરાતા શીખવી દો કે ફેવરિટ માં એડ કરી દો - એટલી તો મદદ કરો જ.  
          રાજ્ય ઉપર ક્લીક કરીને  - તમારે જેની માહિતી જોતી હોઈ તે જિલ્લા ઉપર ક્લિક કરો. અહીં મેં જૂનાગઢ જિલ્લાના પેજની લિંક મૂકી છે.  
 
farming in gujarat - kheti in Junagadh district

         જમણે ઉપરના ખૂણેથી - ગુજરાતી સિલેક્ટ કરો અને તમારા જિલ્લા ઉપર ક્લિક કરો. એ પછી તમારા વિસ્તરમાં થતા બધા પાકની માહિતી જોઈ શકાશે. 
          અહીં મેં ગુજરાતી પાર ક્લિક કરીને, જૂનાગઢ જિલ્લાને સિલેક્ટ કર્યો - અને તે જિલ્લામાં થતા પાકોનું લિસ્ટ અહીં જોઈ શકાય છે.
જૂનાગઢ જિલ્લાની ખેતી માહિતી

          જિલ્લા પરથી મેં મગફળી પાર ક્લિક કરતા તેના વિષેની માહિતી જેવીકે જરૂરી  બી - ખાતર ક્યાંથી મળી શકે, બજાર ભાવ કે પછી લોકલ દલાલ વિશેની માહિતી મળી શકે. જો કે એક બે લિંક કામ નથી કરતી, છતાં ઘણી માહિતીપૂર્ણ છે.  

Local agri markets info

                  આના જેવી બીજી એક ફ્રી એપ પણ છે: "ખેતી-બાડી" ઓર્ગનિક  https://play.google.com/store/apps/details?id=com.bizaid.kheti_badi&hl=en
         
ચાબુક 

          આ તો થઇ જેને ખેતી કરવી છે તેની વાત, મને તો એ વાત નથી સમજાતી કે આજનો યુવાન ખેતી થી દૂર કેમ ભાગે છે?  જેને અપૂરતી ખેતી હોઈ તેની વાત તો સમજાય કે એકથી વધારે ભાઈઓનો ગુજારો ટૂંકી ખેતીમાં ના થાય, પણ જેને પૂરતી ખેતી હોઈ તેને પણ ખેતીથી શરમ આવે છે અને શહેર ભણી દોડી જાય છે ૧૦,૦૦૦-૧૫,૦૦ ની નોકરી પાછળ!  પોતાની બાઈક લેવા બાપાનું ગાડું વેંચવું પડે, અને પછી તો એ બાઈક જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ બાપનો વિઘો ટૂંકો થતો જાય  - તો પણ કહેવાય કે ભાઈ તો શહેરમાં નોકરી કરે છે! 

          યુવાનોને જ દોષ ના દઈ શકાય - આજકાલ ખેડૂતો પણ પોતાની દીકરીઓને ખેતીમાં નથી દેતા. અને ભાગ્યજોગે ગામડાના ખેડુપુત્ર ને કન્યા મળી પણ જાય તો આવતા વેંત જ શહેરમાં જવાના ચક્રો ગતિમાન કરી દે છે. અને યુવાનના માબાપ પાસે બીજો વિકલ્પ નથી રહેતો વહુની વાત માનવ સીવાય - નહીતો દીકરાની જિંદગી બગાડે - તે વિચારે મને-કમને હા પાડી દે.

          જાણુંછું કે ખેતી એ મહેનતનું કામ છે, મેં પણ કરેલ છે - પણ જો તમે બેઠાડુ કામ કરો તો પછી જીમમાં પૈસા બગાડવા પડે!  આપણા દાદાઓ ક્યારેય બીમાર ના પડતા, કારણ? - ઓર્ગનિક આહાર અને ખરી મહેનતનું કામ.  
          આપણો દેશ તો ખેતીપ્રધાન દેશ છે  - ખેડૂતો જ ખેતી તરફથી ભાગશે તો દેશની ખેતીનું શું થશે?  ખેતી આપણા દેશ નું મૂળ છે  - ઝાડ ગમે તેટલું વધે, મૂળ મજબૂત ના હોઈ તો તૂફાન સામે તાકી શકતું નથી. આ વર્ષેતો બજેટમાં પણ ખેતીલક્ષી સુધારા થયા છે.

હાસ્ય થેરાપી 

આજના આ નેટ અને એપ ના જમાનામાં કોઈ ને પૂછયો કે ટપાલ કેવી હતી? કે પોસ્ટકાર્ડ કેવી રીતે લખાય? મોટા ભાગના બાળકોને ખબર જ નહિ હોઈ!

ટપાલ તો એક બાજુ રહી મેસેજ પણ ફોરવર્ડ જ કરે, નવો લખીને મોકલવાનો તો ટાઈમ ના હોઈ ને! તારો મોકલેલો મને અને મારો મોકલેલો તને! ક્યારેક તો આપણે જ મોકલેલો મેસેજ  તન - ચાર વાર પાછો આવે! ત્યારે તો કેહવું પડે - બસ હવે ખમા કરો બાપલા!

(સારું છે એ બહાને એક બીજાના સંપર્કમાં તો રહે છે. આ નેટ ને લીધે દૂર રહેતા સગા - સંબંધી પણ એક બીજાના ખબર અંતર પળે પળ જાણી શકે છે.)
 આ ટોપિક ઉપર વધારે જાણકારી જોતી હોઈ કે તમારી પાસે કોઈ જાણકારી હોઈ - કૃપા કરીને કોમેન્ટ કરો.

અથવા તો તમે કોઈ બીજી ગ્રામીણ/ દેશી  સમસ્યા અંગે જાણવા માંગતા હોઈ તો સૂચન આવકાર્ય છે.

No comments:

Post a Comment

Old Posts