શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, મોટી મારડ
ૐ નમઃ શિવાય
આજની પેઢી કોઈ પણ મંદિર કે ધાર્મિક સ્થળમાં આસ્થા જરૂર રાખે છે સાથેસાથે માનવ સેવા અને પશુ સંભાળ કેન્દ્રોને પણ વધારે મહત્વ આપે છે. અને આ કારણે જ શ્રદ્ધા અને સેવાનો સમન્વય એવું, ધોરાજી તાલુકામાં મોટી મારડ ગામે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર લાખો લોકોની આસ્થારસનું કેન્દ્રબિંદુ છે.
આજુબાજુના લોકો તો નીલકંઠ મહાદેવ વિષે જાણે છે, જે ના જાણતા હોઈ તેના માટે પ્રસ્તુત છે આ મંદિરનો ટૂંકો ઇતિહાસ અને અત્યારના સમયમાં ચાલુ સેવાભાવી પ્રવૃતિઓ.
ઇતિહાસ : વર્ષો પૂર્વે જૂનાગઢથી આશરે ૨૦ કિલોમીટર દૂર, મોટીમારડ-ધોરાજી રોડ ઉપર એક પ્રાચીન શિવમંદિર હતું, નાનકડું ડેરા જેવું તે મંદિર "નીલકંઠ મહાદેવ"ના નામથી ઓળખાતું હતું. આજુબાજુના ખેતરોમાં કામે જતા લોકો, આવતા-જતા ત્યાં શ્રદ્ધાપૂર્વક નમન કરતા જતા, ધીમે ધીમે એ શિવલિંગમાં લોકોની શ્રદ્ધા વધતી ગઈ અને તેઓ ત્યાં દર્શનાર્થે જવા લાગ્યા.
વિક્રમ સાવંત ૨૦૩૨, શ્રાવણ સુદ એકમ ને તારીખ ૨૮/૦૭/૧૯૭૬ ના રોજ પરમ પૂજ્ય શ્રી કિશનદાસબાપુ આ મંદિરે પધાર્યા. તેમની પ્રેરણાથી માનવ કલ્યાણ પ્રવૃતિઓ માટે આ જગ્યાએ મહા માનવમંદિરનું સર્જન કર્યું.
તે સમયે, રૂ. ૪૦,૦૦ માં બાજુની ૩.૫ એકર જમીન લઇ, સમાજ સેવા કલ્યાણ પ્રવૃતિઓ નો પાયો નંખાયો. અને તારીખ ૧૧/૦૨/૧૯૭૬ ના રોજ નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.
વૃદ્ધાશ્રમ: શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર પછી, ૨૫/૦૨/૧૯૭૯ ના રોજ ત્યાં વૃદ્ધાશ્રમ ની સ્થાપના કરવામાં આવી, જે આ મંદિરનો મુખ્ય હેતુ સમાજસેવાને પૂર્ણ કરવાની દિશામાં આ પ્રથમ પગલું હતું. જ્યાં કોઈ પણ જાતની ફી વગર અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર વૃદ્ધોને આશ્રય આપવામાં આવે છે.
આ વૃદ્ધાશ્રમમાં અત્યારે ૩૦ જરૂરિયાતમંદોને આશ્રય પૂરો પડી રહ્યા છે. તેમની ભોજન વ્યવસ્થાથી લઈને સામાન્ય સારવાર સુધીની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ ઓલ્ડ એજ હોમમાં ૧૪ રૂમ છે જે વડીલોને સલામત છત પુરી પડે છે, એક ભોજનાલય છે જે તેમના ભોજનની તૈયારી માટે અને જમવાના સ્થળ તરીકે વપરાય છે. તે ઉપરાંત ૫ રૂમ આવનારા મહેમાનો માટે અલગ છે જે અતિથિ ભવન તરીકે વપરાય છે.
ગૌશાળા: શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે એક ગૌશાળા પણ છે, આ ગૌશાળામાં ૧૦ ગીર ગાયો છે જે આશ્રિતો ને શુદ્ધ દૂધ, ઘી, છાશ પૂરું પાડે છે. આ ગાયોના દૂધ ને ફક્ત મંદિર અને વૃદ્ધાશ્રમના આશ્રિતો માટે જ વાપરવામાં આવે છે તેનો વેપાર થતો નથી.
પ્રવૃતિઓ: દર મહિનાના પહેલા બુધવારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે નેત્ર-નિદાન કેમ્પ યોજાય છે જ્યાં આજુબાજુના ગામોના જરૂરિયાતમંદોને વિનામૂલ્યે નેત્રચિકિત્સા પુરી પાડવામાં આવે છે. મોતિયો જેવા આંખના ઓપરેશનો માટે આશરે ૨૫-૩૦ માણસોને વીરનગર પણ લઇ જવામાં આવે છે.
આ મંદિર ના પ્રાંગણમાં એક સરસ મજાનો બાળ ક્રીડાંગણ પણ છે જે એક નાના બગીચા સાથે બાળકોના ઉત્સાહ અને રસ જાળવી રાખે છે.
શ્રાવણી સોમવાર હોઈ કે મહાશિવરાત્રી આ મંદિરનું પ્રાંગણ માનવમેદનીથી છલકાતું જ હોઈ, શ્રાવણ માસે દરરોજ સવાલાખ બિલ્વપત્ર ચડાવાય છે અને અમાસે હવન થાય છે જેમાં ૭૦૦ -૮૦૦ માણસોની હાજરી હોઈ છે.
ગુરુપૂર્ણિમાએ પણ અહીં મોટો મેળાવડો હોઈ છે, જ્યાં આશરે ૧૪૦૦-૧૫૦૦૦ માનવમેદની માટે જમણવાર/પ્રસાદ નું આયોજન હોઈ છે. રોજ-બરોજ અવનવા શ્રીંગાર શોભિત શ્રી નીલકંઠ મહાદેવ દર્શનની તક એ પણ એક અમૂલ્ય લ્હાવો છે.
શ્રી નીલકંઠ મહાદેવ મંદિરને, ચીખલીયા નિવાસી શ્રી મગનભાઈ અંબાભાઈ ભાલોડીએ ૧૦ વીઘા જમીન દાનમાં આપી, સેવાકાર્યને વધારે મજબૂત કર્યું.
આ માનવ સેવાયજ્ઞને મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો વિનમ્ર પ્રયાસ કરું છું. લેખમાં કોઈ ક્ષતિ હોઈ તો નીચે કોમેન્ટ કરો, જરૂર સુધારીશ.
આ લેખનો એક માત્ર હેતુ આ સેવાયજ્ઞને બિરદાવવાનો છે. જો કોઈ પણ ને સેવાયજ્ઞમાં ભાગીદાર થવાની ઈચ્છા હોઈ તો કોઈ પણ ટ્રસ્ટી નો સંપર્ક કરો અથવા કોમેન્ટ કરો - હું સંપર્ક # મેળવી આપીશ.
હાસ્યરસ
એક દેશીને અમેરિકામાં એટેક આવ્યો, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જતા હતા તો દેશીએ રસ્તામાં મંત્ર ચાલુ કર્યો : હરિ ૐ તત્ત સત્ત . એમ્બ્યુલન્સ વાળાએ તો એમ્બ્યુલન્સ દેશીના ઘરે લીધી. દેશીની પત્ની બહાર દોડી આવી અને એમ્બ્યુલન્સ વાળને ખીજાવા લાગી કે આટલા સિરિયસ છે તો હોસ્પિટલને બદલે ઘરે શુ લાવ્યા?
ડ્રાઈવર કહે શું કરું? પેશન્ટ ક્યારનો બરાડા પાડે છે કે: Hurry Home, that's it (જલ્દી ઘરે લઇ જા, બીજું કઈ નહિ.). 😃
માહિતી: સ્વ. કાનજીભાઈ વાછાણી, મોટીમારડ
તસ્વીર: બિપિન વાછાણી, શિવ ઝેરોક્ષ, ગાંધીધામ, ગુજરાત.